About us

અમારા વિશે

અમો, ગુજરાતના એવા યુવા નાગરિકોનું એક સમૂહ અથવા પરિવાર છીએ જે રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવાની આકાંક્ષા ધરાવે છે અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવલંત સફળતા મેળવી સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરવાની ભાવના ધરાવે છે.

આ સમૂહ કે પરિવારનું નિર્માણ અને વિકાસ ત્યારે થયો જ્યારે માનસ એકેડેમીની સ્થાપના થઈ અને અમો બધા ધીરે-ધીરે આ સંસ્થાના માધ્યમથી એક-બીજા સાથે જોડાવા લાગ્યા. માનસ એકેડેમી જ હવે અમારો સમૂહ કે પરિવાર છે. આ કારણે અમોએ અમારા પરિવારને ‘માનસ પરિવાર’ નામ આપ્યું છે. 

1 જાન્યુઆરી, 2014ના રોજ સમાચારપત્રમાં આ સમાચાર જાણવા મળ્યા કે આવનારા 10 વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા અઢી લાખથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ભરતી અંગેની આવી ઐતિહાસિક જાહેરાત કદાચ ગુજરાત રાજ્યના નિર્માણ (1960) પછી પહેલી વખત જ જાહેર થઈ છે. આ કારણે ગુજરાતની વર્તમાન યુવા પેઢી માટે એક સ્વર્ણિમ અવસર આવી ચુક્યો છે.

આવા આશા અને ઉત્સાહભર્યા સમાચારની વચ્ચે જ્યારે અમારો માનસ પરિવાર આ પરીક્ષાની તૈયારી કરવા અંગે ચર્ચા-વિચારણા કરવા એકઠો થયો ત્યારે એ મુદ્દો ઊભો થયો કે આપણી પાસે તો સ્ટડી મટિરિયલ, લક્ષ્ય-કેન્દ્રિત માર્ગદર્શન અને વાતાવરણ ત્રણેય છે. પરંતુ આપણા ગુજરાતના એ યુવાનોનું શું કે જેઓ પારિવારિક, આર્થિક કે અન્ય કોઈ કારણસર અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા સીટીમાં આવી સ્પેશ્યલ કોચિંગ કે માર્ગદર્શન મેળવી શકે એમ નથી. ખાસ કરીને, ગુજરાતના હજારો ગામડાઓમાં વસતા એ લાખો પ્રતિભાશાળી યુવા નાગરિકોનું શું કે જેઓ પાસ ન તો લક્ષ્ય કેન્દ્રિત સ્ટડી મટિરિયલ છે અને ન વ્યક્તિગતપણે માર્ગદર્શનની ઉપલબ્ધતા.

આ મુદ્દા ઉપર થઈ રહેલી વિચારણા દરમ્યાન જ આવી એક વેબસાઇટ બનાવવાનો વિચાર જાગૃત થયો કે જેના માધ્યમથી ગુજરાતના આવા લાખો યુવાનો સુધી સરળતાપૂર્વક પહોંચવું શક્ય છે. એક એવી વેબસાઇટ જે પરીક્ષા માટે તૈયારી કરવા ઇચ્છતા યુવા ઉમેદવારોને સંક્ષિપ્ત પરંતુ લક્ષ્ય-કેન્દ્રિત સ્ટડી મટિરીયલ, વ્યક્તિગત માર્ગદર્શન તેમજ સર્જનાત્મક વાતાવરણ ઉપલબ્ધ કરાવે. એક એવી વેબસાઇટ જ્યાં દરેક ઉમેદવાર પોતાના સપના સાકાર કરવાનો સફળ પ્રયત્ન કરી શકે. એક એવી વેબસાઇટ જે માનસ પરિવારની ઉપયોગિતા, સાર્થકતા તેમજ સફળતાને નવી ઊંચાઈ પ્રદાન કરે તથા માનસ પરિવારને વધુ વિસ્તૃત તેમજ વિરાટ બનાવે.

આ વિચારને સાકાર કરવા માટે અમારા પરિવારની અંદર જ એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી જેમાં માનસ પરિવારના માનનિય માર્ગદર્શકો, અલગ-અલગ પરીક્ષાઓમાં સફળ થયેલા ઉમેદવારો અને અન્ય અનેક વિદ્યાર્થીઓ/સ્પર્ધકો શામેલ છે. અમો એવી વ્યવસ્થા અપનાવવા ઉપર પણ વિચાર કરી રહ્યા છે જેમાં ગુજરાતના અન્ય અનુભવી તજજ્ઞો, માર્ગદર્શકો, શિક્ષકો વગેરેનો સાથ-સહકાર મળી રહે.

ગુજરાતના ગામેગામ સુધી GPSC સહિત UPSC(IAS/IPS), બેંકીંગ વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા અંગેની ચેતના તેમજ જાગૃતિ ફેલાય અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરે, એ જ માનસ પરિવારનું સપનું છે.

જન-જનમાં ચેતના ફેલાવવાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ અમોએ આ વેબસાઇટને માતૃભાષા સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે તથા આનું નામ “જીપીએસસીતૈયારી.કોમ” (gpsctaiyari.com) રાખ્યું છે. આ કોઈ વ્યક્તિ-વિશેષ કે સમૂહ-વિશેષની વેબસાઇટ નથી પરંતુ આ એ દરેક ઉમેદવારની વેબસાઇટ છે જે જીપીએસસીમાં સફળતા મેળવી દેશસેવાને પોતાની કેરિયર બનાવવા માંગે છે. આ એ દરેક ઉમેદવારની વેબસાઇટ છે જે આ વેબસાઇટનો સદુપયોગ કરી પોતાના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા માંગે છે. આ રીતે આપ આપની વેબસાઇટ દ્વારા આપના સપના સાકાર કરશો.

આ ભાવના અને ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને જ આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન અને સભ્યપદ મેળવવાની સમગ્ર પ્રક્રિયા નિઃશુલ્ક રાખવામાં આવી છે તથા આ વેબસાઇટ ઉપરથી મટિરિયલ ડાઉનલોડ કરવાનો પણ કોઈ ચાર્જ કે ફી રાખવામાં આવી નથી.  

ઉપરોક્ત વિચારોથી અમારા વિશે તેમજ અમારા ઉદ્દેશો અને ભાવનાઓ વિશે આપને ખ્યાલ આવ્યો જ હશે. આ સાથે જ વધુ સ્પષ્ટતા સ્થાપિત કરવા માટે અમો અમારા ઉદ્દેશો અથવા મિશનના વિવિધ તત્વોને સંક્ષિપ્તમાં અહીં ચિત્ર દ્વારા રજૂ કરી રહ્યા છે –

Gpsc

અમોને વિશ્વાસ છે કે આ વેબસાઇટ ઉપર રજિસ્ટર થઈ આપ પણ માનસ પરિવારની અંદર શામેલ થશો તેમજ આપના ઉજ્જ્વળ ભવિષ્યના નિર્માણમાં અમોને યોગદાન આપવાનું સૌભાગ્ય પ્રદાન કરશો. અમો માનસ પરિવારમાં હ્રદયથી આપનું સ્વાગત કરીએ છીએ.

માનસ એકેડેમી: સ્થાપના અને વિઝન (Establishment and Vision)

1 એપ્રિલ, 2010, ચૈત્ર - શુક્લ પક્ષ 3, વિ. સં. 2067, ગુરુવારના શુભ દિવસે માનસ એકેડમીની સ્થાપના થઈ. શિક્ષણ-પ્રશિક્ષણ દ્વારા યુવાઓને જાગૃત, સશક્ત અને કર્તવ્યનિષ્ઠ બનાવવા તેમજ જ્ઞાનવાન સમાજની સ્થાપનાના પાવન ઉદ્દેશથી પ્રેરિત થઈ શ્રી મયુર દુબેદી, શ્રીમતી રશ્મિ દુબેદી તથા સુશ્રી નીપા હિંડોચાએ આ એકેડેમીની શુભ સ્થાપના કરી છે.

આજની એકવીસમી સદીનો યુગ જ્ઞાનની ગરિમા, મહત્વ અને સર્વોચ્ચતાને સ્થાપિત કરનારો છે. આ યુગમાં એ જ સમાજ પોતાના મહાન અસ્તિત્વને ટકાવી શકશે જેની પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હશે. આ માટે જ આ યુગના ચિંતકો ભારતીય સમાજને એક જ્ઞાનવાન સમાજના રૂપમાં રુપાંતરિત કરવાના સપના સેવી રહ્યા છે. આવા જ એક ચિંતક તથા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ આ એકેડેમીના સંસ્થાપકોના એક પ્રેરણાસ્રોત છે. એમની પ્રેરણાથી માનસ એકેડેમી પણ રાષ્ટ્રીય સમાજને જ્ઞાનવાન સમાજમાં રુપાંતરિત કરવા માટે કૃત સંકલ્પ છે. એ જ રીતે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર (સોમનાથ)ના મહંત તથા અમારા ગુરુદેવ શ્રી શ્યામસુંદરસ્વામીજી તેમજ વર્તમાન યુગના તીર્થંકરતુલ્ય જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરિજી મહારાજ સાહેબની અસીમ પ્રેરણા અને વાત્સલ્યપૂર્ણ આશીર્વાદથી જ આવા મહાન સાધ્યની પ્રાપ્તિ માટે માનસ એકેડેમીની સ્થાપના થઈ છે. 

વર્તમાનમાં માનસ એકેડેમી જાહેર વહિવટના ક્ષેત્રમાં વિવિધ પદો પર ભર્તી માટે લેવામાં આવતી પરીક્ષાઓ માટે પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપે છે. આ સંબંધમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આઈ.એ.એસ.-આઈ.પી.એસ. જેવા બાવીસ પદો પર ભર્તી માટે લેવામાં આવતી પરીક્ષાઓ અત્યંત અગત્યની છે. ભારતની જાહેર વહિવટ પ્રણાલીમાં સૌથી અગત્યના પદો પર આવા ઑફિસરોની નિમણૂંક થતી હોય છે અને આ કારણે જ દેશની નીતિઓના નિર્માણથી માંડીને અમલવારી સુધીની પ્રક્રિયામાં તેમની નિર્ણાયક ભૂમિકા રહેતી હોય છે. આવા પદો પર વધુને વધુ ગુજરાતના વિદ્યાર્થીઓની નિમણૂંક થાય એ માટે માનસ એકેડેમી સતત પ્રયત્નશીલ છે.

સૌને ખબર જ છે કે UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સેવા પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓને અત્યલ્પ માત્રામાં જ સફળતા મળી રહી છે અને આ સફળતાની શરુઆત પણ 1990ના દશકમાં SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઑફ પબ્લીક એડમિનિસ્ટ્રેશન)ના અથાક પરિશ્રમના કારણે થઈ છે. આ સફળતાને જવલંત અને વ્યાપક સફળતામાં રુપાંતરિત  કરવા માટે માનસ એકેડેમી પૂર્ણ સમર્પણ સાથે પ્રયત્નશીલ છે. અમને વિશ્વાસ છે કે આવનારા પાંચથી સાત જ વર્ષમાં સફળતાનો આ આંકડો બે થી ત્રણ ગણો થઈ જશે. ગુજરાતના પ્રતિભાવાન, પરિશ્રમી અને સાહસીક યુવાનોને અમારો વિનમ્રતાપૂર્વક આગ્રહ છે કે તેઓ પોતાની સ્વર્ણિમ કેરિયર માટે IAS અથવા આવા જ કોઈ પદની પ્રાપ્તિનું લક્ષ્ય અપનાવે.

ખાસ નોંધવા જેવી બાબત એ છે કે યુ.પી.એસ.સી.ની પરીક્ષા ગુજરાતી માધ્યમ અપનાવીને પણ આપી શકાય છે. પરંતુ અત્યાર સુધી UPSCની પરીક્ષા સંબંધી પાઠ્યક્રમને અનુરૂપ ગુજરાતી ભાષામાં ન તો કોઈ સાહિત્ય ઉપલબ્ધ છે કે ન માર્ગદર્શન. આના પરિણામે ગુજરાતી માધ્યમના અનેક વિદ્યાર્થીઓને UPSCની પરીક્ષા આપવામાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. માનસ એકેડેમી આવી જ સમસ્યાઓનું સચોટ તેમજ સાર્થક સમાધાન ઉપલબ્ધ કરાવે છે. એકેડેમી દ્વારા આપવામાં આવતું મટિરીયલ ગુજરાતી ભાષામાં છે અને આ મટિરીયલ UPSCના પાઠ્યક્રમને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે. એ જ રીતે ગુજરાતી ભાષામાં જ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. હમને વિશ્વાસ છે કે અમારી આ પહેલથી UPSCની પરીક્ષામાં ગુજરાતના યુવાનોને વધુ વ્યાપક સફળતા પ્રાપ્ત થશે.

જ્ઞાન કોઈ આપવાનો કે વિકસાવવાનો વિષય નથી. જ્ઞાન તો ઉદ્ઘાટિત કરવાનો વિષય છે. મનુષ્યના અંતઃકરણમાં દરેક પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ જ છે, જરૂરિયાત ફક્ત તેને ઉદ્ઘાટિત કરવાની છે. માનસ એકેડેમી જ્ઞાનના આ ઉદ્ઘાટન માટે વૈજ્ઞાનિક અને સરળ પદ્ધતિનો ઉપયોગ કરે છે જેથી વિદ્યાર્થી સ્વયં જ એટલો સમર્થ થઈ જાય કે તે ફક્ત પોતાનો રોજગાર જ નહીં પરંતુ પોતાના સમગ્ર જીવનને એક હકારાત્મક અને રચનાત્મક દિશા આપી શકે. માનસ એકેડેમીનો આ દૃષ્ટિકોણ ભગવાન બુદ્ધના આ વિચાર પર આધારિત છે કે “તુમ સ્વયં અપને દીપક બનો”.

વહિવટી અધિકારી એક કુશળ પ્રબંધક જ નહીં પરંતુ એક ઉત્સાહી લીડર પણ હોવો જોઇએ. ભારત જેવા વિકાસશીલ, લોકકલ્યાણકારી તેમજ લોકશાહી દેશમાં સ્વાભાવિકપણે અપેક્ષા રખાય છે કે આવા વહિવટી અધિકારી પોતાના કર્તવ્યોનું સંપાદન સ્વામી બનીને નહીં પરન્તુ સેવક બનીને કરે. લોકો આવા અધિકારીઓ પાસે સત્યનિષ્ઠા, સંવેદનશીલતા અને સદવ્યવહારની અપેક્ષા રાખતા હોય છે. આવી સ્થિતિમાં ભારતની વહિવટી પ્રણાલીમાં એવા અધિકારીઓની તાતી જરૂરિયાત છે જે સાર્થકતા અને સફળતા સાથે પોતાના પદ સંબંધી કર્તવ્યો નિભાવી શકે તથા જેમની પાસે લીડરશીપના એવા ગુણો હોય કે જે કોઈ પણ વિકાસ પામી રહેલા સમાજની સાથે ચાલીને (નહીં કે એયરકંડીશંડ ઑફિસમાં બેસીને) તેમને પ્રગતિના પંથે અગ્રેસર કરી શકે.

આ પ્રકારના દૃષ્ટિકોણથી પ્રેરાઈને માનસ એકેડેમી પોતાના વિદ્યાર્થીઓને વિશેષ વ્યક્તિત્વ વિકાસ અંગેનું માર્ગદર્શન આપે છે. આ કાર્યક્રમ હેઠળ લીડરશીપ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સિવાય કમ્યુનિકેશન સ્કીલ, ડાયનેમીક પર્સનાલીટી ડેવલપમેંટ, ડીસીઝન મેકિંગ, સેલ્ફ મોટિવેશન વગેરે જેવા વિષયો પણ વિદ્યાર્થીને આત્મસાત્ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીએ ફક્ત આઈ.એ.એસ. ઑફિસરનું પદ પ્રાપ્ત કરીને જ સંતુષ્ટ ન થઈ જાય, એની ખરી સફળતા તો ત્યારે સિદ્ધ થશે જ્યારે તે આઈ.એ.એસ. ઑફિસરના પદથી સંબંધિત બધા કર્તવ્યો નિષ્ઠાપૂર્વક બજવવામાં સફળ થશે. અમારો પ્રયત્ન આ દિશાનો જ છે. 

ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓ

ભારતમાં લોકશાહીની સ્થાપનાની સાથે જ લોકોન્મુખી જાહેર વહીવટી વ્યવસ્થા (People-oriented Administrative System) ના વિકાસ માટેના પ્રયત્નો શરુ થઈ ગયેલા. આ પ્રયત્નો હજું પણ સફળતાપૂર્વક ચાલુ છે. માનસ એકેડેમી પણ એક લોકોન્મુખી (People-oriented), કાર્યક્ષમ (Efficient) અને પારદર્શી (Transparent) જાહેર વ્યવસ્થા (Public Administration)ની સ્થાપનાના ઉદ્દેશ્યને સમર્પિત છે. આ સાથે જ શિક્ષણ-પ્રશિક્ષણ દ્વારા યુવાઓને પ્રબુદ્ધ (Enlightened), સશક્ત (Empowered) અને કર્તવ્યનિષ્ઠ (Devoted to Duty) બનાવવા તેમજ દેશમાં જ્ઞાનવાન સમાજ (Knowledge Society) ની સ્થાપનાના પાવન ઉદ્દેશથી પ્રેરિત થઈ આ એકેડેમીની શુભ સ્થાપના કરવામાં આવી છે.

કોઈ પણ વહિવટી વ્યવસ્થાની સફળતા (Success) તેમજ સાર્થકતા (Relevance) તેમના અધિકારીઓ કે કર્મચારીઓ પર અવલંબે છે. સંઘ લોક સેવા આયોગ (UPSC – Union Public Service Commission) કેન્દ્ર સરકારના અધિકારીઓ (Central Services) તેમજ અખિલ ભારતીય સેવાઓ (All India Services)ની ભર્તી માટે “સિવિલ સેવા પરીક્ષા” (Civil Services Exams)નું આયોજન કરે છે. એ જ રીતે ગુજરાત લોક સેવા આયોગ (GPSC – Gujarat Public Service Commission) ગુજરાત સરકારના અધિકારીઓની ભર્તી માટે વિશિષ્ટ પરીક્ષાનું આયોજન કરે છે. આવી પરીક્ષાઓ સ્પર્ધાત્મક સ્વરૂપની હોય છે અને આ પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ પ્રાપ્ત કરનારા વિધાર્થીઓને સંબંધિત અધિકારીના પદ પર નિયુક્ત કરવામાં આવે છે.

માનસ એકેડેમી આવી પરીક્ષાઓમાં ગુજરાતના પ્રતિભાવાન, સત્યનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ વિદ્યાર્થીઓને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે. આ બાબતે એકેડમી નિયમિત વર્ગો દ્વારા પ્રશિક્ષણ (Training) અને માર્ગદર્શન (Guidance) આપે છે તથા સંબંધિત પરીક્ષાઓ માટેનું વિશેષ સ્ટડી મટિરીયલ પણ ઉપલબ્ધ કરાવે છે.

આ સિવાય વિવિધ બેંકો દ્વારા “બેંક પ્રોબેશ્નરી ઑફિસર” (Bank Probationary) માટે પરીક્ષાનું આયોજન થાય છે. સ્ટાફ સિલેક્શન કમિશન નામની ભારત સરકારની એક સંસ્થા પણ વિવિધ હોદ્દાઓ પર અધિકારીઓની નિયુક્તિ માટે પરીક્ષાનું આયોજન કરે છે. આ પ્રકારની પરીક્ષાઓ માટે પણ એકેડેમી પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપે છે તથા સ્ટડી મટિરીયલ ઉપલબ્ધ કરાવે છે.

અમારો પ્રયત્ન ગુજરાતના યુવાનોને જાહેર ક્ષેત્ર (Public or vernment Sector)માં સ્થાયી રોજગાર અપાવી તેમને સામાજિક-આર્થિક રીતે આત્મનિર્ભર (Self-reliance) અને સશક્ત (Empowered) બનાવવાનો છે અને આ સાથે જ દેશની જાહેર વહિવટી વ્યવસ્થાને વધુ કુશળ, પ્રભાવશાળી અને લોકોન્મુખી બનાવી શકે તે રીતે યુવાનોને પ્રશિક્ષિત કરવાનો છે. 

- સમગ્ર માનસ પરિવાર