FAQ

(1) આ પરીક્ષા આપવા માટે કયા પ્રવાહમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તથા ગ્રેજ્યુએશનમાં કેટલી ટકાવારી જોઇએ ?

આ પરીક્ષા આપવા માટે કોઈ પણ પ્રવાહમાં મેળવેલી ગ્રેજ્યુએશનની ડીગ્રી સ્વીકાર્ય ગણાય છે અર્થાત્ બી.એ., બી.કોમ, બીએસસી, બીસીએ, બીબીએ, બીઈ વગેરે જેવા કોઈ પણ પ્રવાહમાં મેળવેલી ગ્રેજ્યુએશનની ડીગ્રી માન્ય ગણાય છે. આ પરીક્ષા આપવા માટે ગ્રેજ્યુએશનમાં પાસીંગ માર્ક્સ જ હોવા જરૂરી છે. ગ્રેજ્યુએશનમાં કોઈ ફર્સ્ટક્લાસ કે સેકંડક્લાસ હોવો જ જોઈએ એવી કોઈ લાયકાત માંગવામાં આવતી નથી. 

(2) શું કોઈ સ્પર્ધકે એક્સટર્નલ ગ્રેજ્યુએશન કર્યું હોય તો તે આ પરીક્ષામાં ભાગ લઈ શકે ?

હા, જો એક્સટર્નલ ગ્રેજ્યુએશન કરનાર વ્યક્તિએ યુજીસી માન્ય યુનિવર્સિટીમાંથી આ ડીગ્રી મેળવી હોય તો તે આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.

(3) આ પરીક્ષાનું માળખું શું છે ?

આ પરીક્ષા બે ભાગોમાં વહેંચાયેલી છે જેમાંના પ્રથમ ભાગને પ્રિલિમિનરી તથા બીજા મુખ્ય પરીક્ષા કહે છે જેને નીચેના ચિત્ર દ્વારા સમજી શકાય:

પ્રિલિમિનરી પરીક્ષા :

પ્રિલિમિનરી પરીક્ષામાં ત્રણ પેપર આવે છે જેમાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા કુલ 500 માર્ક્સની હોય રહેશે. આ ત્રણ પેપર નીચે પ્રમાણે છે –

1.  પેપર-1: અંગ્રેજી અને ગુજરાતીમાં બોલચાલ (150માર્ક્સ)

2.  પેપર-2: ટેસ્ટ ઑફ રિઝનીંગ (150 માર્ક્સ)

3.  પેપર-3: સામાન્ય જ્ઞાન (200 માર્ક્સ) 





મુખ્ય પરીક્ષા :

પ્રિલિમિનરી પરીક્ષામાં જે સફળ થાય તેમને મુખ્ય પરીક્ષામાં પ્રવેશ મળે છે. મુખ્ય પરીક્ષા પણ બે ઉપ-ભાગોમાં વહેંચાયેલી છે. પ્રથમ ઉપ-ભાગને લેખિત પરીક્ષા કહે છે જેના કુલ 900 માર્ક્સ હોય છે તથા આમાં કુલ 5 પેપર આવે છે. પ્રથમ ઉપ-ભાગમાં પસંદગી પામેલા ઉમેદવારને બીજા ઉપ-ભાગમાં પ્રવેશ અપાય છે અને આમાં મૌખિક પરીક્ષા લેવામાં આવે છે. આ મૌખિક પરીક્ષા 100 માર્ક્સની હોય છે. મુખ્ય પરીક્ષાના આ સમગ્ર માળખાને નીચે અપાયેલા ચિત્ર દ્વારા સમજી શકાય. 

(4) આ પરીક્ષાની તૈયારી માટે સામાન્ય રીતે કેટલો સમય ફાળવવામાં આવે છે ?

જાહેરાત આવ્યા પછી સામાન્ય રીતે પ્રિલિમિનરી પરીક્ષા માટે ત્રણથી ચાર મહિના તથા મુખ્ય પરીક્ષા માટે પણ ત્રણથી ચાર મહિના જેટલો સમય ફાળવવામાં આવે છે. આવી જ રીતે ઇંટરવ્યૂ માટે પણ સામાન્ય રીતે ન્યૂનતમ 1 મહિના જેટલો સમય ફાળવવામાં આવતો હોય છે. 

(5) આ પરીક્ષા ફૉર્મ ક્યારે બહાર પડે છે અને તે કઈ રીતે ભરવાના હોય છે ?

•  પરીક્ષાના ફૉર્મ બહાર પડવાની કોઈ નિશ્ચિત તિથિ કે મહિનો જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલો નથી. જરૂરિયાત મુજબ સમયે-સમયે આ બાબતે જાહેરાત દ્વારા જીપીએસસી ફૉર્મ જાહેર કરતી હોય છે.

•  આ રીતે જાહેર થયેલા ફૉર્મ ઓનલાઈન જ ભરવાના હોય છે જે અંગેની વેબસાઇટ છે - www.ojas.guj.nic.in

(6) આ પરીક્ષા કયા માધ્યમથી આપી શકાય ?

•  જાન્યુઆરી, 2014માં ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ આ પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ માધ્યમથી આપી શકાય છે. જોકે સરકારના આ નિર્ણયનો કેટલાક લોકોએ વિરોધ પણ કરેલો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરીક્ષા ફક્ત ગુજરાતી માધ્યમથી જ આપી શકાતી

(7) આ પરીક્ષામાં પાસ થવાથી સરકારની કઈ પોસ્ટ ઉપર નોકરી મળે છે ?

વર્ગ-1

વર્ગ-2

1.  ડેપ્યુટી કલેક્ટર,

2.  ડી.વાય.એસ.પી., 

3.  ડિસ્ટ્રીક્ટ  રજિસ્ટ્રાર, 

4.  નશાબંધી અને આબકારી અધીક્ષક,  વગેરે

5.  મામલતદાર,

6.  સેક્શન ઑફિસર,

7.  તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ),

8.  ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ રજિસ્ટ્રાર,

9.  લેબર ઑફિસર,

10.  લેન્ડ ઑફિસર,

11.  ગુજરાત કારખાના નિરીક્ષણ સેવા,

12.  કૉમર્શીયલ ટેક્સ ઑફિસર, 

13.  ચીફ ઑફિસર, 

14.  એકાઉન્ટન્ટ ઑફિસર, વગેરે.


(8) આ પરીક્ષાની તૈયારી કઈ રીતે શરુ કરી શકાય ?

•  આ પરીક્ષાની તૈયારીમાં પાંચમાં ધોરણથી લઈ 12માં ધોરણ સુધીની પાઠ્યપુસ્તક મંડળની પુસ્તકો અત્યંત ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. આ કારણે આ પરીક્ષાની તૈયારી આ પુસ્તકોના વાંચનથી શરુ કરી શકાય.

•  આ પરીક્ષાની તૈયારી કરતા સમયે સતતપણે પહેલાના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. આ કારણે પુસ્તક વેચાણ કેન્દ્રથી આ પ્રશ્નો સંબંધી પુસ્તક મેળવવી લાભપ્રદ થશે.

•  આ સાથે જ જો કોઈ સ્પર્ધક તૈયારી માટે જરૂરી નિયમિતતા, અનુકૂળ વાતાવરણ અને અનુશાસન ન જાળવી શકતો હોય તો કોચિંગ ક્લાસની મદદ લેવી પણ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. જો કે આ બાબતે વિશ્વાસપાત્ર અને જાત અનુભવના આધારે જ કોઈ કોચિંગ ક્લાસમાં જોડાવું જોઇએ. આ કારણે સમજી-વિચારી તેમજ જાત-અનુભવના આધારે આ બાબતે નિર્ણય લેવો લાભ્રપદ સિદ્ધ થઈ શકે છે. 

(9) શું અંગ્રેજી કાચું હોય તો આ પરીક્ષામાં સિલેક્ટ થઈ શકાય ?

•  પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષા બન્નેમાં અંગ્રેજી ભાષાને વિશેષ મહત્વ અપાયું છે. આ કારણે જો અંગ્રેજી કાચું હોય તો પરીક્ષામાં સિલેક્ટ થવું અત્યંત કઠિન થઈ જાય છે, અશક્ય નહીં. 

•  આ કારણે આપને સલાહ છે કે અંગ્રેજીને પાકું કરવા માટે વિશેષ પ્રયત્નો હાથ ધરશો. 




અમને પૂછો